નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. હવે ભારતમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસથી વધુ થઇ ગઇ છે. આવું પ્રથમવાર થયું છે. જેનો અર્થ એ થયો કે દેશમાં હવે કોરોના દર્દીઓનો રિકવરી રેટ 50 ટકાને પાર થઇ ગયો છે.


દેશમાં હાલમાં કોરોના દર્દીઓની સંખ્યા 2 લાખ 76 હજાર 583 થઇ ગઇ છે. જેમાં એક લાખ 33 હજાર 632 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 7745 લોકોના મોત થયા છે. જ્યારે એક લાખ 35 હજાર 205 લોકો આ રોગથી સ્વસ્થ થયા છે. જ્યારે એક દર્દી દેશ છોડીને ચાલ્યો ગયો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયોના આંકડામાં આ જાણકારી આપી છે.

બુધવાર સવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી લગભગ 10 હજાર નવા કેસ નોંધાયા હત. ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 9500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 279 લોકોના મોત થયા છે.

દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર એન્ડ સ્લીપ મેડિસિન વિભાગના પ્રોફેસર ડોક્ટર નીરજ ગુપ્તાએ કહ્યુ કે, આંકડાઓ અનુસાર દેશમાં વધારેમાં વધારે દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે જે વૈશ્વિક વલણના અનુરૂપ છે કે કોરોનાના 80 ટકાથી વધુ દર્દીઓમાં બીમારીના સામાન્ય લક્ષણો દેખાય તેવી સંભાવના હોય છે અને તે સ્વસ્થ થઇ જાય છે. આ આંકડાઓથી ભારતના એ લોકોને આશા જાગી છે જેમને ચેપના કારણે મોતનો ડર છે. લોકોએ વધુમાં વધુ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા સંબંધી દિશા-નિર્દેશોનું પાલન કરવું જોઇએ.