નવી દિલ્હીઃ   બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.


યુકેમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે ભારતના કોઇપણ એરપોર્ટ પર યુકેથી ફ્લાઈટમાં આવતા કે યુકે થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઈન થવું પડશે. માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે.

આ દરમિયાન દિલ્હી એરપોર્ટ પર યુકેથી આવેલા 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના સેમ્પલ નવા કોરોનાવાયરસ સ્ટ્રેન માટે મોકલવામાં આવ્યા છે. અહેવાલ મુજબ લંડનથી ફ્લાઇટ સોમવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કોવિડ-19 નોડલ ઓફિસરે કહ્યું,  266 પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ પૈકી 5 ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તેમના સેમ્પલ લઇને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં રિસર્ચ માટે મોકલવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19,556 કેસ આવ્યા છે અને 301 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,00,75,116 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસ 2,92,518 છે અને અત્યાર સુધીમાં 96,26,487 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,46,111 થયો છે.