નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 38 લોકો સંક્રમિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે બપોરે આ જાણકારી આપી છે. કોરોનાનો નવો સ્ટ્રેન સૌથી પહેલા બ્રિટનમાં મળ્યો હતો, જે 70 ટકા વધારે સંક્રામક છે. કોરોના મહામારીનો સામનો કરી રહેલી દુનિયા માટે બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારે મોટી સમસ્યા ઊભી કરી છે. ભારતમાં પણ આ નવા પ્રકારના કેસ વધી રહ્યા છે. જોકે, ભારતને કોરોનાનો નવો પ્રકાર ડીકોડ કરવામાં સફળતા મળી છે અને આમ કરનારો તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

ભારતમાં કોરોના મહામારી એકંદરે નિયંત્રણમાં આવી છે અને કોરોનાના નવા કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ઉપરાંત કોરોનાની બે રસીને એક્સપર્ટ પેનલ દ્વારા મંજૂરી પણ અપાઈ છે.



ભારતમાં બ્રિટનથી આવેલા વાઈરસના નવા પ્રકારની સફળતાપૂર્વક ઓળખ કરી લેવાઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું કે ભારતે ઝડફથી વાઈરલ થઈ રહેલા નવા પ્રકારના વાઈરસને સફળતાપૂર્વક ઓળખી લીધો છે. ભારતે યુકે મ્યુટન્ટ સ્ટ્રેનને આઈસોલેટ કરી લીધો છે. આઈસીએમઆરે જણાવ્યું કે, આ આઈસોલેશન મારફત કોરોના વાઈરસની રસી પર નવા મ્યુટન્ટ સ્ટ્રેનની અસરની તપાસ કરવામાં મદદ મળશે. સાથે જ એ પણ ચકાસી શકાશે કે આ સ્ટ્રેન પર કોરોના રસીની અસર થશે કે નહીં.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16505 દર્દીઓ નોંધાયા હતા અને 214 લોકોના થયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,40,470 પર પહોંચી છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,43,953 છે. જ્યાકે 99,46,867 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,49,649 થયો છે.