COVID 19 Cases in India: કોરોના મહામારીના ત્રીજી લહેર બાદ હવે વિશ્વભરના દેશો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. કારણ કે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં પણ હવે સ્થિતિ સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોના વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. ભારતમાં હવે કુલ 7.9 લાખ સક્રિય કોરોના કેસ છે.


આ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ છે


સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વિશ્વમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, 40 ટકા કેસ 10 દેશોમાંથી આવી રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 67084 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં પણ કોરોનાના કેસ સૌથી વધુ છે. આ ચાર રાજ્યમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે 11 રાજ્યોમાં 10 હજારથી 50 હજાર વચ્ચે એક્ટિવ કેસ છે. જો કે, હવે પોઝિટિવિટી રેટ ઘટાડો થયો છે. કેરળમાં 32 ટકા પોઝિટિવિટી રેટ છે. જે છેલ્લા દિવસોમાં 46 ટકા હતો. અન્ય રાજ્યોમાં પણ પોઝિટિવિટી સતત ઘટી રહ્યો હોવાનું જણાય છે.


આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે, કોરોનાની વર્તમાન સ્થિતિ ઘણી સારી દેખાઈ રહી છે, પરંતુ કેરળ, મિઝોરમ અને હિમાચલ પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. આપણે સાવચેત રહેવાની જરૂર છે.







ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  67,084 કેસ નોંધાયા હતા. જ્યારે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ 7,90,789 (1.86%) છે. જ્યારે દેશમાં કુલ  5,06,520 લોકના મોત નીપજ્યા છે. જ્યારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ  4.44% છે. તો દેશમાં અત્યાર સુધીમાં  1,71,28,19,947 રસીકરણ થયું છે.


છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુ



  • 7 ફેબ્રુઆરી 1173

  • 8 ફેબ્રુઆરી 1230

  • 9 ફેબ્રુઆરી 1241