નવી દિલ્હી: કોરોના વાયરસ ધીમે ધીમે ભારતમાં પગપેસારો કરી રહ્યો છે. પંજાબના અમૃતસરમાં કોરોના વાયરસના બે નવા મામલા સામે આવ્યા છે. આ બન્ને વ્યકિત ઈટાલીથી પરત ફર્યા છે અને હોશિયારપૂરના રહેવાસી છે. અમૃતસરના ગુરુ નાનક દેવ હોસ્પિટલના ડૉક્ટર રમન શર્માએ કહ્યું કે દિલ્હીથી કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બન્ને પોઝિટિવ છે અને તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હીના લેબમાં આ બન્ને વ્યક્તિના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેના સેમ્પલ પુણે સ્થિત લેબમાં મોકલવામાં આવશે અને તેની રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી શકે છે.


વધુ બે મામલા સામે આવ્યા બાદ ભારતમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 33 થઈ ગઈ છે. જેમાં 16 ઈટાલીના પર્યટકો છે. દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.