કોલકાતા: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 30 અને આસામની 39 બેઠકો પર ગુરવારે મતદારોમાં શાનદાર ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી પંચ મુજબ, બંગાળમાં છ વાગ્યા સુધીમાં 80.43 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે આસામમાં 73.03 ટકા મતદાન થયું છે. બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાના સમાચાર સામે આવ્યા છે, આસામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.



બંગાળમાં મતદારોમાં જોવા મળ્યો જોશ


સાંજે 6 વાગ્યા સુધી ઈસ્ટ મિદનાપુરમાં 81.23 ટકા, પશ્ચિમી મિદનાપુરમાં 78.02 ટકા, બાંકુડામાં 82.92 ટકા અને નંદીગ્રામમાં 80.79 ટકા મતદાન નોંધાયું છે. નંદીગ્રામમાં સૌથી હોટ સીટ માનવામાં આવી રહી છે. ટીએમસી સુપ્રીમ મમતા બેનર્જી અને ભાજપના શુભેંદુ અધિકારી આ બેઠક પર ચૂંટણી મેદાનમા છે. બીજા તબક્કમાં પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરમાં મતદાન થયું.


બંગાળમાં શુભેંદુના કાફલા પર હુમલો



બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની કેટલીક ઘટના સામે આવી છે. બૂથ જામ કરવાના આરોપોથી મતદાન પ્રક્રિયા પર કેટલીક અસર પડી હતી. નંદીગ્રામના બોયલ વિસ્તારમાં ગ્રામીણોએ આરોપ લગાવ્યો કે ભાજપ સમર્થકોએ તેમને મતદાન કેંદ્ર જવા પર રોક્યા હતા. મમતાના બોયલ પહોંચતા ભાજપ સમર્થકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.


પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની લહેર છે અને પાર્ટી 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું પ્રથમ તબક્કામાં બંગાળમાં થયેલા શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપને ભારે સમર્થન આપ્યું છે. 


પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા દરમિયાન રાજ્યના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે મતદાન થયું હતું. બીજા તબક્કા માટે ચાર જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.  ત્રીજા તબક્કામાં 31 વિધાનસભા બેઠકો પર છ એપ્રિલે, ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 બેઠકો પર 10 એપ્રિલે, પાંચમાં તબક્કામાં 6 જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કામાં ચાર જિલ્લાની 43 બેઠકો પર 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં પાંચ જિલ્લાની 36 બેઠકો પર અને આઠમાં તબક્કામાં ચાર જિલ્લાની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે.