નવી દિલ્હી: કોરોના સંક્રમણના નવા કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે, આગામી ચાર અઠવાડીયા આપણા માટે ખૂબ જ ગંભીર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોવિડ-19 મહામારીની તીવ્રતા વધી છે. ગત વખતે કરતા આ વખતે મહામારી ઝડપથી ફેલાઈ રહી છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ ઉંમરના લોકોને કોરોના વેક્સીની આપવાની માંગ પર કહ્યું કે જેમને જરુર છે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક દેશમાં વધારે ખતરો હોય તેમને વેક્સીન લગાવવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં પણ ખૂબ જ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. જ્યારે પણ રસીકરણ થાય છે ત્યારે તેનો ઉદેશ્ય મોતથી લોકોને બચાવવાનો છે.
તેમણે કહ્યું યૂકેમાં આજે પણ રસીકરણ બધા માટે નથી ખોલવામાં આવ્યું. અમેરિકામાં પણ ઉંમરના હિસાબે રસીકરણ કરવામાં આવે છે. ફ્રાન્સમાં પણ કહેવામાં આવ્યું છે કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને રિસ્ક છે તેને રસી આપવામાં આવશે. સ્વીડનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આયોજન વગર રસી ન આપી શકાય.
સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કાલે દેશમાં વેક્સીનને 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા જેના કારણે આપણે આજે સવાર સુધી 8 કરોડ 31 લાખ ડોઝ લગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની રસીને લઈ પત્ર લખ્યો હતો. સીએમ કેજરીવાલે તમામ ઉંમરના લોકોને કોરોના રસી આપવાની માંગ કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 25 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કરી આ પ્રકારની જ માંગ કરી હતી. હાલના સમયમાં દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 96,982 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,26,86,049 થઈ ગઈ છે.