નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર હવે ધીમો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત પશ્ચિમ બંગાળમાં થયા છે. પરંતુ દેશના 19 રાજ્યોમા એક પણ મોત થયું નથી. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા તાજા આંકડામાં સામે આવી છે. આ 19 રાજ્યોમાં આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ, અંદમાન નિકોબાર ટાપુ, દાદરા નગર હેવલી અને દીવ દમણ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર,  ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, નાગાલેંડ, મેઘાલય, મિઝોરમ, ઓડિશા, પુડ્ડુચેરી, રાજસ્થાન, સિક્કમ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,923 નવા કોરોના કેસ નોંધાયા છે અને 108 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,71,294 પર પહોંચી છે. જ્યારે 1,05,73,372 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,55,360 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની કુલ સંખ્યા 1,42,562 છે.
દેશમાં અત્યાર સુધીમાં 70,17,114 લોકોને રસી આપવામા આવી ચુકી છે. 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 65 ટકાથી વધારે સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ થયું છે.