સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું, “18 ફેબ્રુઆરી, બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં રોકો આંદોલન કરીશું. ” કિસાન મોર્ચાએ કહ્યું કે, 12 ફેબ્રુઆરીએ રાજસ્થાનના તમામ ટોલ પ્લાઝા ખેડૂતો ફ્રી કરાવશે.
તેઓએ કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલાની વર્ષગાંઠ પર જવાન અને ખેડૂતો માટે કેન્ડલ અને મશાલ માર્ચ કાઢીશું. 16 ફેબ્રુઆરીએ સર છોટુ રામની જયંતી પર ખેડૂતો સોલિડેરિટી શો કરશે. ખેડૂત સંગઠનોએ કહ્યું કે, હરિયાણાના લોકો ભાજપ અને જેજેપી નેતાઓ પર ખેડૂતોના હિતમાં દબાણ બનાવે અથવા ખુરશી છોડવા કહે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનો દિલ્હીની સિંઘુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર છેલ્લા 80 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે અને તેમની માંગ છે કે, કેન્દ્ર સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેડૂત આંદોલનને પવિત્ર ગણાવતા કહ્યું હતું કે, તેને આંદોલનજીવીઓ અપવિત્ર કરી રહ્યાં છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સંસદ અને સરકાર ખેડૂતોનું સન્માન કરે છે અને ત્રણેય કૃષિ કાયદા કોઈના માટે બંધનકર્તા નથી પરંતુ વૈકલ્પિક છે, એવામાં વિરોધનું કોઈ કારણ નથી.