પુણે: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો કેટલા સમયથી જોવા માટે ઉત્સુક છે કે કોરોના કેવો દેખાય છે ત્યારે કોરોના વાયરસની એક તસવીર સામે આવી છે. કોરોનાની ભારતમાંથી પ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે. આ તસવીર પુણે ખાતે આવેલી ICMR-NIVના વૈજ્ઞાનિકો તરફથી લેવામાં આવી છે. આ તસવીર ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્પોકનો ઉપયોગ કરીને લેવામાં આવી છે. આ તસવીરને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ અંગે અમે પૃષ્ટિ નથી કરી રહ્યાં.



પુણેના વૈજ્ઞાનિકો તરફથી જાહેર કરવામાં આવેલી તસવીર એટલે કે, કોરોના વાયરસનો પ્રથમ કેસ દેશમાં જાન્યુઆરી 30ના રોજ સામે આવ્યો હતો. ચીન ખાતે મેડિકલનો અભ્યાસ કરતી એક ભારતીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવતી ચીનના વુહાનમાં અભ્યાસ કરતી હતી. તેણી ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે ભારત પરત આવી હતી. અહીં તેનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.



એનઆઈવી તરફથી વાયરસની તપાસ કર્યા બાદ ખબર પડી કે, ભારતમાં કેરળમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યું તે કોરોના વાયરસ વુહાનના વાયરસ સાથે 99.98 ટકા મળતું આવે છે.



વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની ઝપટમાં આવેલી મહિલાના ગળામાંથી કોરોનાનું સેમ્પલ લીધું હતું. ત્યાર બાદ પુણે ખાતેની એનઆઈવીના વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કરીને તસવીર લીધી હતી. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં તાજેતરના અંકમાં આ અંગે વિગતવાર માહિતી આપી છે.



કોરોના વાયરસની દવા શોધવા માટે ભારત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તેમજ આ કામમાં લાગેલા અન્ય દેશો સાથે મળીને કામ કરી રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મહામારી તેમજ સંક્રમણ શાખાના પ્રમુખ ડોક્ટર રમણ આર ગંગાખેડકરે શુક્રવારે જણાવ્યું હતું કે, પરીક્ષણ બાદ નવી દવાની શોધ થઈ શકે છે.