મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 35952 કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 5,504 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મુંબઈ પણ પ્રથમ વખત થયું છે કે એક જ દિવસમાં 5500થી વધારે કેસ આવ્યા હોય. હાલ દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. 


મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 26,00,833 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 53,795 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 22,83,037 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 20,444 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે સંક્રમણના કારણે 111 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 53,795 પર પહોંચ્યો છે.



કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં હાલ સંક્રમિત કુલ લોકોના 74.32 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં છે. એકલા મહારાષ્ટ્રમાં જ 62.91 ટકા કેસ છે.


મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,504 નવા કેસો નોંધાયા છે. શહેરમાં એક દિવસમાં કોરોનાના કેસોની આ સર્વાધિક સંખ્યા છે. કોરોનાના કારણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. બુધવારે મુંબઇમાં 5,185 નવા કેસો નોંધાયા હતા.


કોરોનાનો કેસ વધતાં સરકારે લીધું આ પગલું



દેશભરમાં અચાનક વધવા લાગેલા કોરોના સંક્રમણના કેસોથી સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે ભારતથી નિકાસ થતી એસ્ટ્રાજેનેકા કોવિશિલ્ડ વેક્સીનના નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. હાલની સ્થિતિને જોતા સરકારે દેશમાં કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમૂક મહિનાઓ સુધી વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. 2-3 મહિના બાદ સરકાર સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અત્યાર સુધી 80 દેશોમાં વેક્સીનના છ કરોડ ચાર લાખ ડોઝ મોકલાવી ચુક્યું છે. જ્યારે દેશમાં અત્યાર સુધી પાંચ કરોડ 8 લાખ 41 હજાર 286 કોને વેક્સીનનો ડોઝ અપાઈ ચુક્યો છે.