મુંબઈ: એન્ટીલિયા કેસમાં સ્પેશલ કોર્ટે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને 3 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટમાં રિમાન્ડ પર સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ અધિકારી વાઝેએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
વાઝેએ કહ્યું કે મારુ આ કેસમાં કંઈ લેવા દેવા નથી. હું કેસની તપાસ કરી રહ્યો હતો. આ કેસનો IO હતો. કેટલાક બદલાવ થયા અને 13 માર્ચે જ્યારે એનઆઈએની ઓફિસ ગયો તો મારી ધરપકડ કરવામાં આવી. આ બધી ઘટનાઓ પાછળ કેટલુક બેકગ્રાઉન્ડ છે. મારા બધુ જ જણાવવું છે.
સચિન વાઝેએ કહ્યું કે બધા કહી રહ્યા છે કે મે ગુનો સ્વિકારી લીધો છે, આ ખોટું છે. મે કોઈ ગુનો કબુલ્યો નથી. હુ માત્ર દોઢ દિવસ માટે આ કેસનો IO હતો. ક્રાઈમ બ્રાંચ એટીએસ બધા તપાસ કરી રહ્યા હતા.
તેમણે આગળ કહ્યું કે મે આ પહેલા પણ કોઈ ક્રાઈમ નથી કર્યો, મારો કોઈ રેકોર્ડ નથી. બાદમાં વાઝેએ કોર્ટમાં કહ્યું મારી કેટલીક વાતો કોર્ટના રેકોર્ડ પર લાવવી છે. તેના પર જજે કહ્યું કે તમે તમારા વકીલને પૂછો. વકીલ સાથે વાત કર્યા બાદ નક્કી થયું કે સચિન વાઝે લેખિતમાં પોતાની વાત કોર્ટને સોંપશે.
એનઆઈએની દલીલ
એનઆઈએ દ્વારા રિમાન્ડની માંગ કરતા કોર્ટમાં કહેવામાં આવ્યું કે સચિન વાઝે તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. મનસુખ હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે સામ સામે બેસાડી પુછપરછ કરવી છે. આરોપી વાઝે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ગાડીમાંથી રિકવર કરવામાં આવેલા ફોરેન્સિક એવિડન્સ સાથે મેચ કરવાના છે.
એનઆઈએના વકીલે કહ્યું કે આરોપીએ આ કેસના સીસીટીવી ડીવીઆરને ગાયબ કર્યું છે. ફાઈવ સ્ટાર હોટેલ બુક કરવા માટે 12 લાખ રુપિયા આપવામાં આવ્યા હતા. આ કેસે ન માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કારણ કે આ કાવતરાને એક પોલિસવાળાએ અંજામ આપ્યો છે.
સચિન વાઝેના વકીલની દલીલ
સચિન વાઝેના વકીલે કોર્ટમાં કહ્યું કે એનઆઈએ સાબિત કરે કે UAPA આ કેસમાં કઈ રીતે લાગી શકે છે. જિલેટીન સ્ટીક્સ ડેટોનેટર વગર બોમ્બ ન બની શકે. આ કેસ માત્ર ઈન્ડિવિઝ્યૂલ(અંબાણી)ને લઈને છે, ના કે સમગ્ર સમાજ સામે. UAPA લગાવવા માટે જરૂરી છે કે સમાજને ખતરો હોય. આ કેસમાં દેશની અખંડતાને કોઈ નુકસાન નથી પહોંચી રહ્યું.
મુંબઈમાં 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલા નજીકથી એક કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. એનઆઈએ દ્વારા વિસ્ફોટકો મળી આવવા મામલે સચિન વાઝે સામે બુધવારે ગેરકાનૂની ગતિવિધિઓ અધિનિયમની કલમો પણ લગાડવામાં આવી છે. એનઆઈએ વિસ્ફોટકોવાળી કારના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે પણ તપાસ કરી રહી છે. મનસુખે હિરેનનો મૃતદેહ પાંચ માર્ચે થાણેમાં એક નહેરમાંથી મળ્યો હતો.