નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. સંકટના આ સમયમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને એકતા બતાવવા માટે પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે. એવામાં દેશની જનતા આજે રાત્રે નવ વાગ્યે દીવો, મીણબતી અને મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને એકતા બતાવશે.




કોરોના સંકટના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન શુક્રવારે વડાપ્રધાન મોદીએ દેશને સંદેશ આપ્યો હતો. વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી હતી કે કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આ માટે વડાપ્રધાને લોકોને રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. જેનો હેતું એકતાનો સંદેશ આપવાનો છે.

વડાપ્રધાને લોકોને અપીલ કરી હતી કે રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ સુધી પોતાની ઘરની લાઇટો બંધ કરી દો અને દરવાજા કે બાલ્કનીમાં ઉભા રહીને દિવો, મીણબતી સળગાવો. તે સિવાય મોબાઇલ ફ્લેશ લાઇટ-ટોર્ચથી રોશની કરો. આ શક્તિ મારફતે આપણે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દેશવાસીઓ એક છે. વડાપ્રધાને કહ્યુ કે, એકતાથી આ મહામારીને હરાવી શકાય છે.