નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દિવસેને દિવસે પહેલા કરતા વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ પ્રતિદિન સૌથી વધુ કેસ ભારતમાં આવી રહ્યાં છે. આજે પહેલીવાર 24 કલાકમાં 28 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે નોંધાયા છે.


દેશમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખ 49 હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 8 લાખ 49 હજાર 553 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 22, 674 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે પાંચ લાખ 34 હજારથી વધુ લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 હજાર 637 નવા કેસ સામે આવ્યા છે અને 551 મોત થયા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત દુનિયામાં ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. પરંતુ પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિતો અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ વધુ સારી છે. ભારત કરતા વધુ કેસ અમેરિકા અને બ્રાઝીલમાં છે.

આંકડા અનુસાર, દેશમાં હાલમાં 2 લાખ 92 હજાર 258 કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 99 હજારથી વધુ દર્દીની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે ભારત દુનિયામાં ચોથા નંબરે છે.