Kerala COVID 19 Cases: કેરળમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, ત્રણ મહિના પછી રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 30,000થી વધુ કેસ નોંધાયા છે. આ પછી ચેપનો દર વધીને 19 ટકા થયો છે. કેરળમાં શનિવારે 17,106 કોરોના કેસની પુષ્ટિ થઈ, રવિવારે 10,402, સોમવારે 13,383 અને મંગળવારે 24,296 કેસ નોંધાયા હતા.


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કેરળમાં 24 કલાકમાં 31,445 નવા કેસ નોંધાયા છે અને આ પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 38,83,429 થઈ ગઈ છે. બીજી બાજુ 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 215 દર્દીઓના મોત થયા. આ પછી રાજ્યમાં મૃતકોની કુલ સંખ્યા વધીને 19,972 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 1,70,292 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


છેલ્લી વખત કેરળમાં 20 મેના રોજ એક દિવસમાં કોરોના કેસોની સંખ્યા 30,000 ને વટાવી ગયા હતા અને તે દિવસે 30,491 નવા કોવિડ-19 દર્દીઓ મળી આવ્યા હતા.


રાજ્ય સરકારે ચેપના વધુ ફેલાવાને રોકવા માટે સઘન સ્ક્રીનીંગ કાર્યક્રમની જાહેરાત કરી છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ઓણમ તહેવાર પછી રાજ્યમાં પરીક્ષણના કેસોમાં ચેપ દર (TPR) 20 ટકાથી વધુ હોઈ શકે છે અને ચેપના કેસોમાં પણ વધારો થશે.


કેરળમાં બકરીદ તહેવાર પછી, 27 જુલાઈથી કોરોનાના લગભગ 15000 કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. બકરીદ દરમિયાન સરકારે થોડા દિવસો માટે કોવિડ સંબંધિત પ્રતિબંધોને હળવા કર્યા હતા.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં છેલ્લા ગઈકાલે કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 159 એક્ટિવ કેસ છે અને 5  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં ગઈકાલે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,108 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 159 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 154 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,108 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10080 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 4, વડોદરા કોર્પોરેશનમાં 2, દાહોદમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક અને કચ્છમાં એક કેસ નોંધાયા હતા. આજે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.