નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ આ દરમિયાન પોલીસ, ડોક્ટરો અને અધિકારીઓના દેશની સેવા માટે ઘર-પરિવારને છોડીને સમાજની ચિંતા કરી રહયા છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશમાં સામે આવ્યો છે.

આઈએએસ મહિલા અધિકારી શ્રૃજન ગુમ્માલા આંધ્રપ્રદેશના ગ્રેટર વિશાખાપટ્ટનમમાં મ્યુનિસિપલ કમિશ્નર છે. તેમને છ મહિનાની મેટરનિટી લીવ મળી હતી પરંતુ રજા લેવાનો ઈન્કાર કરી દીધો અને માત્ર 22 દિવસના બાળકને સાથે લઈ ડ્યૂટી જોઈન કરી.

શ્રુજને કહ્યું કે, મેટરનિટી લીવ પર હતી ત્યારે મારું મન નહોતું લાગતું. એક જવાબદાર નાગરિક હોવાના કારણે ઘરમાં રહી શકતી નોહોતી. સાથે માતૃત્વની ફરજ પણ પૂરી કરવાની હતી. આ સ્થિતિમાં મેં મારી રજા રદ્દ કરીને કામ પર ફરવાનું નક્કી કર્યું. મારા 22 દિવસના બાળકને ઘર પર મુકી શકતી નહોતી તેથી તમામ જરૂરી સામાન સાથે તેને પણ ઓફિસ લેતી આવી.

બાળકને ખોળામાં જ રાખીને તે કામ કરે છે. તેણે કહ્યું આ એક મુશ્કેલ કામ છે પરંતુ સંકટના સમયમાં ઈમરજન્સી સર્વિસ કેટલી જરૂરી છે તે જાણું છું. જિલ્લા તંત્ર કોરોના વાયરસને રોકવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. ગરીબોને જરૂરી સામાન પહોંચાડવો અને જિલ્લા અધિકારીઓ સાથે સંકલન કરીને વાયરસને અહીં જ અટકાવવો મારું કામ છે.

શ્રૃજનના કહેવા મુજબ, રાજ્યના મુખ્યમંત્રી દિવસ રાત મહેનત કરે છે ત્યારે હું પણ મારું થોડું યોગદાન કેમ ન આપી શકું? તેણે કહ્યું બધાના કહ્યા બાદ હું મારા બાળકને ઘરે મુકીને આવું છું અને દર ચાર કલાકે સ્તનપાન કરાવવા જાઉ છું. ઘરે મારા વકીલ પતિ અને સાસુ બાળકની સંભાળ રાખે છે.