નવી દિલ્હીઃ કોરોનાવાયરસ સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ત્યારે કોરોનાવાયરસના ચેપને રોકવા  મુંબઈ સહિતનાં દેશના ઘણાં શહેરોમાં માસ્ક પહેરવા ફરજિયાત બનાવ દેવાયા છે. માસ્ક  નહીં પહેરનારાને દંડ-સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મુંબઈ સહિતનાં શહેરોમાં માસ્ક કેવી રીતે પહેરવા, તેના માટે કેવી કાળજી અને સાવચેતી રાખવી એની ગાઈડલાઈન્સ પણ બહાર પાડવામાં આવી છે. આ નિયમોનો અમલ ના કરો તો માસ્ક પહેર્યો હોવા છતાં કોરોનાવાયરસનો ચેપ લાગવાની શક્યતા છે.

બૃહન્મુંબઈ મ્યુનસિપિલ કોર્પોરેશને માસ્ક પહેરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન પ્રમાણે બહાર જતી વખતે માસ્ક પહેરવો ફરજિયાત છે. તમે કરિયાણું, દૂધ, દવા કે બીજી કોઈ પણ ચીજ લેવા ઘરમાંથી બહાર જતાં હો તો  માસ્ક પહેરવો ફરજિયાત છે.

માસ્ક પહેરવામાં સૌથી અગત્યની બાબત એ છે કે, માસ્કને બાંધો તો તેની હેઠળ નાક પણ આવી જવું જોઈએ. નાક સાથે હોઠ અને ગળાનો ભાગ પણ માસ્ક હેઠળ આવરી લેવાવો જોઈએ. માસ્કને ફીટ બાંધવું કેમ કે લૂઝ બાંધવાથી તે નાક પરથી નીચે ઉતરી આવે કે ગળાનો હિસ્સાને ખુલ્લો રાખે તેના કારણે ચેપ લાગવાનો ખતરો રહેલો જ છે. વાયરસ અત્યંત સૂક્ષ્મ હોવાથી જરાક જગા મળે કે તરત ઘૂસી શકે છે. માસ્ક નાકની ટોચને જ ઢાંકેલી રાખે એ રીતે માસ્ક પહેરવો નહીં. માસ્ક બાંધો  ત્યારે ગાલ પણ ખુલ્લા રહેવા ન જોઈએ. ગાલ બાજુ ખુલ્લો ભાગ રહે એ રીત માસ્ક નહીં બાધવું.