નવી દિલ્હી : કોરોનાની મહામારી વચ્ચે વર્લ્ડ બેન્કે ભારત માટે એક બિલિયન ડૉલર (7500 કરોડ રૂપિયા) ના સામાજિક સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. આ જાણકારી વર્લ્ડ બેન્કમાં ભારતના કંટ્રી ડાયરેક્ટર જુનૈદ અહમદે શુક્રવારે આપી છે. તેઓએ કહ્યું કે, ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી ગરીબો અને નબળા વર્ગના લોકોની સુરક્ષામાં મદદ મળી શકે.


આ પહેલા એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ કોરોના સંકટમાં મદદ માટે ભારતને 1.5 અરબ ડોલરના પેકેજ આપવાની જાહેરાત કરી હતી. ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે પણ ભારતને એક અરબ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

ભારત સરકાર કોરોના પર નિયંત્રણ સાથે સાથે લોકડાઉનને તબક્કાવાર હટાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનો પ્રયત્ન અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો છે. વર્લ્ડ બેન્ક દ્વારા આપવામાં આવેલી રકમથી આ દિશામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે એક લાખ સત્તર હજાર કરોડના ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી.

ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 81970 લોકો કોરોના સંક્રમિત છે જેમાંથી 51,401 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 2649 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 27,920 લોકો સાજા થયા છે.