નવી દિલ્હીઃ ભારતમા સતત વધતા કોરોના વાયરસના સંકટ વચ્ચે ટેસ્ટિંગને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. પરંતુ હવે દેશમાં ટેસ્ટિંગમાં વધારો થવાની શક્યતા છે કારણ કે ચીનથી આવનારા ટેસ્ટિંગ કિટ ભારત પહોંચી ગઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરુવારે કહ્યું હતું કે, લગભગ પાંચ લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત પહોંચી ગઇ છે એવામાં હવે દેશમાં ટેસ્ટની ઝડપ વધશે.

ભારતમાં કોરોના વાયરસ માટે ટેસ્ટિંગ કિટ આવવાની લગભગ ચાર ડેડલાઇન મિસ થઇ ગઇ હતી. બાદમાં કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના નિશાન પર છે. ભારતની ગણતરી એવા દેશમાં થઇ રહી છે જ્યાં કોરોના વાયરસના કેસ ઓછા આવ્યા છે પરંતુ તેનું મુખ્ય કારણ ઓછી સંખ્યામાં થયેલા ટેસ્ટ છે.



મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ સહિત અનેક બિન ભાજપ શાસિત રાજ્યોએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તરફથી ટેસ્ટિંગ કિટ આપવામાં ભેદભાવ થઇ રહ્યો છે. જ્યારે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુરુવારે પોતાના વીડિયો પ્રેસ કોન્ફરન્સમાં આ મામલો ઉઠાવ્યો હતો અને કહ્યું હતુ કે, કોરોના વાયરસનો સામનો કરવામાં એક માત્ર ઉપાય ટેસ્ટિંગની સંખ્યા વધારવાની છે.

વાસ્તવમાં છેલ્લા સપ્તાહમાં ચેન્નઇના પોર્ટ પર આ ટેસ્ટિંગ કિટ આવવાની હતી પરંતુ અંતિમ સમયમાં તમામ કિટ અમેરિકા ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી.