નવી દિલ્હીઃ હાલ દેશમાં કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીની એક અપીલ પર બોલિવૂડના કલાકારોએ દાનનો ધોધ વહાવી દીધો છે. કિંગખાને આર્થિક સહાયતા ઉપરાંત પોતની ઓફિસ સ્પેસ ક્વોરન્ટીન સેન્ટર માટે બીએમસીને આપવાનો ફેંસલો કર્યો છે. શાહરૂખ બાદ વધુ એક એકટરે આમ કર્યુ છે.

એકટર સચિન જોશીએ તેની 36 રૂમની હોટલ ક્વોરન્ટીન સેન્ટરમાં ફેરવી દેવાનો નિર્ણય કર્યો છે. આ હોટલનું નામ બીટલ છે અને મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી છે. સચિનના કહેવા મુજબ મુંબઈ ગીચ શહેર છે. અહીંયા પૂરતી માત્રામાં હોસ્પિટલ કે બેડ નથી. જ્યારેએ બીએમસીએ મદદ માટે કહ્યું તો અમે મદદ કરવાનું નક્કી કરી લીધું. બીએમસીની મદદ માટે હોટલને ક્વોરન્ટાઇન સેન્ટરમાં ફેરવવામાં આવી રહી છે. સમગ્ર બિલ્ડિંગ અને રૂમને સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

જોકે એક્ટર અને જાણીતા બિઝનેસમેન તરીકે ઓળખ બનાવી ચુકેલા સચિન જોશીએ આ પહેલા ભાગેડુ જાહેર કરવામાં આવેલા લિકર કિંગ વિજય માલ્યાનો ગોવામાં આવેલા વિલા ખરીદ્યો હતો. ગોવામાં આવેલો કિંગફિશર વિલા સચિન જોશીએ 73 કરોડમાં ખરીદ્યો હતો. 12,350 વર્ગફૂટમાં ફેલાયેલો કિંગફિશર વિલા ગોવાના કંડોલિમ બીચ પર આવેલો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધી કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. અહીં પીડિતોની સંખ્યા 1,078 પર પહોંચી ગઇ છે. જેમાંથી 79 લોકો સાજા થયા છે. જ્યારે 64 લોકોના મોત થઇ ચૂક્યા છે.