શ્રીહરિકોટાઃ ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સફળ પ્રક્ષેપણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ ઉપકરણોની તપાસનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે. ચંદ્રયાનનું પ્રક્ષેપણ 15 જૂલાઇના રોજ સવારે બે વાગ્યાના 51 મિનિટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. ચંદ્રયાન છ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની ધરતી પર પહોંચે તેવી સંભાવના છે.

આ મિશન માટે જીએસએલવી માર્ક-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. ઇસરોએ કહ્યું કે, આ મિશન માટે રિહર્સલ શુક્રવારે પુરુ થઇ ચૂક્યું છે. આ મિશનનો હેતુ ચંદ્રમા પર પાણીની માત્રાનો અંદાજ લગાવવાનો છે, તેની જમીન, ખનીજો, રસાયણો અને તેના વિતરણનો અભ્યાસ કરવો અને ચંદ્રના બહારના વાતાવરણનું વિશ્લેષણ કરવાનો છે.

નોંધનીય છે કે ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન-1એ ત્યાં પાણીની હાજરીની પુષ્ટી કરી હતી. આ મિશનમાં ચંદ્રયાનની સાથે કુલ 13 સ્વદેશી પે-લોડ યાન વૈજ્ઞાનિક ઉપકરણો મોકલી રહ્યા છે. તેમાં વિવિધ પ્રકારના કેમેરા, સ્પેક્ટ્રોમીટર, રડાર, પ્રોબ અને સિસ્મોમીટર સામેલ છે.

ભારતનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે અને સોફ્ટ લેન્ટિંગ કરશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર અત્યાર સુધી દુનિયાના કોઇ પણ દેશનું ચંદ્રયાન ઉતર્યું નથી. ચંદ્રયાનના ત્રણ હિસ્સા છે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઇની કક્ષામાં ચક્કર લગાવશે. ત્યારપછી લેન્ડર ઓર્બિટરથી અલગ થશે અને 4 દિવસ ચંદ્રના ચક્કર કાપશે. 30 કિમીના અંતરે પહોંચશે તો 15 મિનિટમાં ચંદ્ર પર લેન્ડ કરશે. પ્રજ્ઞાન નામનું રોવર લેન્ડરથી અલગ થઇને 50 મીટરના અંતરેથી ચંદ્રમાની સપાટી પરની તસવીરો ક્લિક કરશે.