નવી દિલ્હીઃ CAA અને NRCને કારણે દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ આઝાદ ક્રાંતિ મેદાનમાં વિરોધ માટે પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સ્વરાએ પણ ભાગ લીધો હતો. સ્વરાને પૂછવામાં આવ્યું કે શું આ પ્રદર્શનોથી કાંઇ ફાયદો થઇ શકે છે. જેના પર તેણે કહ્યું કે, અમે અનેક દેશોમાં જોયું છે કે અહિંસક પ્રદર્શનોથી સરકારોના વલણમાં ફેરફાર આવ્યો છે. અહિંસક પ્રદર્શન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે. સરકારે સેક્શન 144 લગાવી, ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવો, પોલીસની હિંસા દ્ધારા અમારા અધિકારો છીનવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. આપણો દેશ અહિંસક પ્રદર્શનોને કારણે આઝાદ થયો છે.
સ્વરાએ કહ્યું કે હું CAA અને NRCનું સમર્થન નથી કરતી કારણ કે આ પ્રકારના કાયદાના કારણે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો બંધારણીય પ્રયાસ છે. આ કાયદો ફક્ત બંધારણ વિરુદ્ધમાં છે એટલું જ નહી ભારતના એક લઘુમતી સમુદાય વિરુદ્ધ ભેદભાવ કરે છે. જો તમે સીએએના સહારે પાકિસ્તાનના હિંદુઓને ભારત લઇને આવવા છે તો તમે એ પ્રક્રિયાને કેમ પ્રમોટ કરતા નથી જે પ્રક્રિયાથી તમે અદનાન સામી અને અન્ય પાકિસ્તાની નાગરિક અહી સિટિઝનશીપ લઇ શકે છે.
સ્વરાએ કહ્યુ કે, હું નથી ઇચ્છતી કે સીએએ અને એનઆરસી ભારતમાં લાગુ થાય. કેમ સરકાર જરૂરી મુદ્દા પર વાત કરતી નથી. શું સરકાર ઇકોનોમી, બેરોજગારી અને સરકારી સંસ્થાઓને તાકાતવર બનાવવા પર કોઇ પ્રયાસ કરતી નથી.