નવી દિલ્હી: ખેડૂત આંદોલન ચાલુ છે. તેની વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કજામ કરશે. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોએ 6 ફેબ્રુઆરીના રોજ શનિવારના રોજ બપોરે 12થી બપોરના 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયનના નેતા બલબીર સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે 6 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રોડ પર ચક્કા જામ કરશું. તેમણે કહ્યું પ્રદર્શન સ્થળ પર નેટ બંધ, બજેટમાં ખેડૂતોને નજરઅંદાજ કરવા અને અન્ય મુદ્દાઓને લઈ અમે ચક્કા જામ કરશું.



એ જ સમયે, ગૃહ મંત્રાલયે ખેડૂતોના પ્રદર્શન સ્થળો જેવાં કે સિંઘુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો સમયગાળો પણ વધારીને મંગળવારની મોડી રાત સુધીનો કરી દીધો છે.

આ ત્રણેય બોર્ડરો પર કેંદ્રના નવા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ થઇ રહ્યો છે. આ સ્થળોની સાથે-સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. આ વ્યવસ્થા 31 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈને 2 ફેબ્રુઆરીના રાત્રીના 11 વાગ્યા સુધી રહેશે.