વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે (Kashi Vishwanath and gyanvapi mosque case) પુરાતત્ત્વ સર્વેક્ષણનો નિર્ણય આવી ગયો છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વીય સર્વેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. સાથે સર્વેનો તમામ ખર્ચો સરકાર ઉઠાવશે તેવો નિર્ણય પણ કોર્ટે સંભળાવ્યો છે.  વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. 


આ પહેલા 2 એપ્રિલના રોજ થયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષો દ્વારા ચર્ચા બાદ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટે સર્વે કર્યા બાદ માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો છે.



 શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે 2019 ડિસેમ્બરથી પુરાતત્તવી સર્વેક્ષણ કરવાને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ આશુતોષ તિવારીએ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે.  વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ આશુતોષ તિવારીએ સર્વે કરીને સર્વે રજૂ કરવા આદેશ આપ્યો છે.


 


ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019 માં એડવોકેટ વિજય શંકર રસ્તોગીએ સિવિલ જજની કોર્ટમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર તરફથી એક અરજી કરી હતી. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની સર્વે કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરના 'વાદ મિત્ર' તરીકે અરજી કરી હતી.



તેના બાદ જાન્યુઆરી 2020 માં, અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિએ જ્ઞાનવાપી મસ્જિદ અને પરિસરમાં એએસઆઈ સર્વેની માંગ પર  વળતો વિરોધ નોંધાવ્યો હતો. 1991માં પ્રથમ વખત જ્ઞાનવાપી પૂજાની પરવાનગી માટે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર વતી વારાણસી સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.



અરજીકર્તાએ શું કર્યો દાવો ?


અરજદારે દાવો કર્યો હતો કે, કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ આશરે 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે 1664 માં મંદિરનો નાશ કર્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, તેના અવશેષોનો ઉપયોગ એક મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો જે મંદિરની જમીન પર બાંધેલી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે મંદિરની જમીનમાંથી મસ્જિદને હટાવવા અને મંદિરના ટ્રસ્ટને તેનો કબજો પાછો આપવાનો નિર્દેશ  કરવામાં આવે.