લખનઉ: નાગરિકતા સંશોધન એક્ટના વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરાયેલા કૉંગ્રેસ કાર્યકર્તા સદફ જફર, એસ આર દારાપુરી સહિત 13 અન્યને જામીન મળી ગયા છે. સદફ, પૂર્વ આઈપીએસ અધિકારી દારાપુરી અને અન્ય પાસેથી 50-50 હજાર રૂપિયાના બોન્ડ ભરાવ્યા હતા.


નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 19 ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન કરનાર તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. હજરતગંજ પોલીસે જફર અને અન્ય પર ભારતીય દંડ સંહિતાની અલગ અલગ ધારાઓ હેઠળ કેસ નોંધ્યો હતો.જેમાં પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984 તથા ક્રિમિનલ લૉ(એમેન્ડમેન્ટ) એક્ટ, 1932 પણ સામેલ છે.

કૉંગ્રેસ મહારસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જફર અને સેવાનિવૃત આઈપીએસ અધિકારી દારાપુરીની ધરપકડને લઈને ઉત્તર પ્રદેશ સરકારની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે સરકારે અમાનવતાની તમામ હદ પાર કરી દીધી છે. જફરના બે નાના બાળકો છે. પ્રિયંકા ગાંધી ગત અઠવાડિયામાં લખનઉમાં જફર તથા દારાપુરીના ઘરે ગયા હતા.