જમ્મુઃ શ્રીનગરની એક હોટલમાં છોકરી સાથે ધરપકડ કરવામાં આવેલા મેજર લિતુલ ગોગોઈ સામે હવે શિક્ષાત્મક કાર્યવાહી થશે. તેમને ડ્યૂટીના સમયે ઓપરેશનલ એરિયાથી દૂર હોવાના કેસમાં દોષી જાહેર કરાયા છે. આ ઉપરાંત મેજર ગોગોઈને આદેશોની અવગણના કરીને સ્થાનિક નાગરિકો સાથે સંબંધ વધારવાના કેસમાં પણ દોષી જણાયા છે.
23 મેના રોજ ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઈ શ્રીનગરની હોટલ ગ્રાંડ મમતમાં બડગામની એક છોકરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. મેજર ગોગોઈ પર કથિત રીતે હોટલમાં રહેવા દરમિયાન સ્થાનિક યુવતી સાથે ઝઘડો કરવાનો આરોપ લાગ્યો હતો. આ વાતને લઈ હોટલ મેનેજમેન્ટે પોલીસ બોલાવી હતી. મામલો સામે આવ્યા બાદ સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો.
પોલીસે મેજર ગોગોઈ અને છોકરીની પૂછપરછ માટે ધરપકડ કરી હતી. આઈપીજીએ આ મામલાની તપાસ શ્રીનગર ઝોનના એસપી સજ્જાદ શાહને સોંપી હતી. જે બાદ ગોગોઈને સેનાના બડગામ યૂનિટમાં પરત મોકલી દીધો હતો. 26 મેના રોજ આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે, જો તપાસમાં મેજર ગોગોઈ દોષી જણાશે તો સજા કરવામાં આવશે. આ સજા પણ એક ઉદાહરણ બની જશે.
ગત વર્ષે મેજર ગોગોઈએ એક પ્રદર્શનકારીને હ્યુમન શીલ્ડના રૂપમાં જીપ સાથે બાંધ્યો હતો. તે સમયે આર્મી ચીફે તેનું સમર્થન કર્યું હતું અને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જોકે આ મામલાનો ત્યારે ઘણો વિવાદ પણ થયો હતો.