નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મોદીએ રક્ષાબંધનના અવસર પર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આખો દેશ રક્ષાબંધન ઉજવી રહ્યો છે. તમામ દેશવાસીઓને આ પાવન અવસર પર શુભકામના. આ તહેવારને બહેન અને ભાઇના પરસ્પર પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.
કેરલ પૂર પર વડાપ્રધાને મોદીએ કહ્યું કે, ભીષણ પૂરે જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. આજે કઠીન પરિસ્થિતિઓમાં આખા દેશ કેરલ સાથે છે. જેમણે પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. મોદીએ બચાવ કાર્ય માટે સશસ્ત્ર બળોની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, આ વખતે દેશના અલગ અલગ ખૂણામાં લોકોને કાર્યક્રમમાં અટલ બિહારી વાજપેયીના વિષય પર બોલવા પર અપીલ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, 16 ઓગસ્ટના રોજ અટલ બિહારી વાજપેયીના નિધન પર આખો દેશ અને દુનિયા શોકમાં ડૂબી ગઇ હતી.
મહિલા સુરક્ષા પર વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુષ્કર્મના દોષિતો વિરુદ્ધ કઠોર કાર્યવાહી માટે સંસદમાં કાયદો લાવવામાં આવ્યો. મધ્યપ્રદેશ મંદસૌરમાં અદાલતે ઓછા સમયમાં દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી. મોદીએ ટ્રિપલ તલાક બિલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે. હજુ રાજ્યસભામાં પેન્ડિંગ છે. હું મુસ્લિમ મહિલાઓને વિશ્વાસ અપાવું છું કે આખો દેશ તેમને ન્યાય અપાવવા માટે ઉભો છે.