લખનઉઃ ભારતમાં કોરનાનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સખ્યા 9000ને પાર કરી ગઈ છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક વ્યક્તિના કારણે 14 ગામ સીલ કરવાની ઘટના સામે આવી છે.


પીટીઆઈના અહેવાલ પ્રમાણે, ઉત્તરપ્રદેશના બદાયૂમાં એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 14 ગામને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશથી આવેલા વ્યક્તિ ભવાનીપુર ખાલી મસ્જિદમાં રોકાયો હતો. જેનો શનિવારે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ વ્યક્તિએ ગત મહિને દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલા તબલીગી જમાતના મરકઝમાં સામેલ થયો હતો.


ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કુમાર પ્રશાંતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે જ્યાં રોકાયો હતો ત્યાંથી ત્રણ કિલોમીટરની અંદર આવતા 14 ગામને સીલ કરી દેવામાં આવ્યા છે. ગામના તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.


સોમવારે ઉત્તરપ્રદેશના આગ્રામાં કોવિડ-19ના વધુ 30 પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લામાં આંકડો 134 પર પહોંચ્યો હતો. 134માંથી 60 લોકો દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભુ એન સિંહે જણાવ્યું હતું.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 483 પર પહોંચી છે. જ્યારે પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. 46 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.