મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યના કોરોના  દર્દીઓમાંથી 80 ટકા કેસ એવા મળ્યા છે જેમાં બીમારીના કોઇ લક્ષણો જોવા મળ્યા નથી. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અહી કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 7 હજારને પાર પહોંચી ચૂક્યો છે.



ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના 80 ટકા દર્દીઓમાં કોઇ પણ લક્ષણો જોવા મળ્યા નથી. અન્ય 20 ટકા એવા હતા જેમાં ઓછા કે ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. અમારે પણ જોવાનુ છે કે આ લોકોને કેવી રીતે બચાવી શકાય. જો કોઇ પણ લક્ષણો જોવા મળી રહ્યા હોત તો તેને છૂપાવો નહી પણ હોસ્પિટલ જઇને ટેસ્ટ કરાવો.



તેમણે કોરોનાથી બે પોલીસ જવાનના મોત પર કહ્યું કે, એ ખૂબ તકલીક પહોંચાડનારું છે કે આપણા બે પોલીસ કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. સરકારની નીતિઓ અનુસાર જ તેમના પરિવારને સહયોગ આપવામાં આવશે. નોંધનીય છે કે કોરોનાની તપાસ મામલે મહારાષ્ટ્રએ દેશના તમામ રાજ્યોને પાછળ છોડ્યા છે.



પ્રવાસી મજૂરોની વાપસીને લઇને ઠાકરેએ કહ્યુ કે, હું તમામ પ્રવાસી મજૂરોને આશ્વાસન આપું છું કે કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જે પણ સંભવ હશે એ કરવામાં આવશે. પરંતુ એ વાત નક્કી છે કે ટ્રેન હાલમાં ચાલશે નહી કારણ કે તેનાથી ભીડ વધવાનો ખતરો છે. નહી તો લોકડાઉન ફરીથી આગળ વધારવું પડશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 7628 પહોંચ્યો છે. અહી કોરોનાના કારણે 323 લોકોના મોત થયા છે.