શિમલા: હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણને લઈને 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં તમામ સ્કૂલ અને કૉલેજ બંધ રહેશે. 26 નવેમ્બરથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે. હવેથી માસ્ક ન પહેરવા પર 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. હિમાચલ પ્રદેશ સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ

આ સાથે જ શિમલા,મંડી,કાંગડા અને કુલ્લૂમાં રાતના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. સરકારી ઓફિસમાં અડધા સ્ટાફ સાથે કામ થશે અને કોઈપણ પ્રકારની રેલી પર રોક લગાવવામાં આવી છે.

વધતા કોરોના કેસને લઈ હિમાચલ પહોંચી કેંદ્રની ટીમ

કેંદ્ર સરકારે રવિવારે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. આ રાજ્યોમાં સક્રિય કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અથવા તો રોજના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આ ટીમ જે જિલ્લામાં કોરોનાના વધારે કેસ આવે છે ત્યાંની મુલાકાત કરશે અને સંક્રમણને અટકાવવા યોગ્ય ઉપાયની દિશામાં રાજ્યના પ્રયાસમાં મદદ કરશે. કેંદ્રીય ટીમ રાજ્યોને યોગ્ય સમય પર તપાસ અને ફોલોઅપ વિશે પણ દિશાનિર્દેશ આપશે.