નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે બધા રસીની રાહ જોઈને બેઠા છે. હવે લોકોની આતુરતાનો અંત આવવાનો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ફરી એક વખત કહ્યું કે, ભારતમાં રસી આવવા પર સૌથી પહેરા કોને તે આપવામાં આવશે.


એક ખાનગી ન્યૂઝ ચેલન સાથે વાત કરતાં સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, સૌથી પહેલા હેલ્થ વર્કરને કોરોના રસી આપવામાં આવશે. ત્યાર બાદ ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસકર્મી અને પેરામિલિટ્રી ફોર્સને રસી આપવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, ત્યાર બાદ 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. ત્યાર બાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોના ગ્રુપને અને બાદમાં છેલ્લો કોમર્બિડિટીના દર્દીને આપવામાં આવશે.

ટૂંકમાં જ કોરોના રસી મળવાની સંભાવના

ભારતને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રસી મળવાની સંભાવના છે. ભારત સરકાર પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા મળીને બનાવવામાં આવી રહેલ કોરોના વાયરસની સંભવિત રસીને ઇમર્જન્સીમાં મંજૂરી આપી શકે છે.

જ્યારે ભારત બાયોટેકની રસીને ટ્રાયલ 1 અને 2ના ડેટા સમબિટ કર્યા બાદ ઇમર્જન્સીમાં મંજૂરી મળી શકે છે. નિયામક સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભારત બાયોટેક રસી માટે ડેટા પ્રકાશિત કરવાની પ્રક્રિયામાં છે જે હાલમાં ભારતમાં ફેઝ 3 ટ્રાયલમાં છે. માટે ફેબ્રુઆરી સુધી બે રસી ઉપલબ્ધ થઈ શકે છે.