નવી દિલ્હી: ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા કોરોના વાયરસથી સંક્રમિત છે. બંનેને સારવાર માટે દિલ્હીની સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીકના લોકોએ જણાવ્યું કે ગળામાં ખરાશ અને તાવ આવ્યો હતો. ત્યારબાદ સોમવારે સાકેત સ્થિત હોસ્પિટલમાં ડૉક્ટરના કહેવા પર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને દાખલ કરવામાં આવ્યા હતા.

આજે બીજા દિવસે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરી સિંધિયા અને તેમના માતાની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.



ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ઘરમાં કોરોના વાયરસ કઈ રીતે આવ્યો તે જાણવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. રાજ્યસભા ચૂંટણીનું મતદાન 19 જૂનના થશે. ભોપાલમાં નામાંકન ભર્યા બાદ સિંધિયા દિલ્હીમાં હતા.