નવી દિલ્હીઃ કોરોનાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગાબા આજે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવ તથા મુખ્ય આરોગ્ય સચિવ સાથે સવારે 11.30 કલાકે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાશે. જેમાં વિવિધ રાજ્યોના અગ્રણી શહેરોના કમિશ્નરોને પણ સામેલ થવા કહેવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં શહેરોના કમિશ્નરો પણ સામેલ થશે તેમ પ્રથમ વખત બનશે.


31 મેના રોડ લોકડાઉન 4 ખતમ થવાનું છે અને પ્રધાનમંત્રી 31 મેના રોજ મન કી બાત પણ કરવાના છે. આ સ્થિતિમાં કેબિનેટ સચિવની બેઠક ખાસ મહત્વની માનવામાં આવે છે. આ બેઠક દરમિયાન કેબિનેટ સચિવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી કોવિડ-19 દર્દીની હાલત શું છે તે જાણશે.


આ પહેલા 17 મેના રોજ કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન રાજ્યોને ટ્રેન ચલાવવાની મંજૂરી આપવાની ચર્ચા થઈ હતી અને કોરોના સંકટને લઈ રાજ્યો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સમીક્ષા કરાઈ હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,58,333 પર પહોંચી છે. 4531 લોકોના મોત થયા છે અને 67,692 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,110 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,58,000થી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે.