નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન કોવિડ-19 મામલા માટે બનેલી દિલ્હી સરકારની સમિતિના અધ્યક્ષે મહામારીને કાબૂ કરવા માટે લોકડાઉનને મે મહિનાના મધ્ય સુધી વધારવાની ભલામણ કરી છે.


કોવિડ-19નો સામનો કરવા દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ ડો. એસકે સરીને કહ્યું, ભારતમાં હજુ પણ મહામારીનો ગ્રાફ ઊંચે ચઢી રહ્યો છે. તેથી પ્રતિબંધોમાં ઢીલ આપવાનો મતલબ એ છે કે કેસમાં વૃદ્ધિ થશે. દિલ્હીમાં હોટસ્પોટ વિસ્તારની સંખ્યા વધારે છે તેથી લોકડાઉન લંબાવવું સમજદારી ભર્યુ હશે. લોકડાઉનને 16 મે સુધી વધારવું જોઈએ.

સરીને કહ્યું, દિલ્હીમાં કોરોના વાયરસનો પ્રથમ મામલો ત્રણ માર્ચે સામે આવ્યો હતો અને મહામારીને લઈ ચીનનો ગ્રાફ દર્શાવે છે કે મહામારીના ગ્રાફને ઘટવામાં આશરે 10 સપ્તાહનો સમય લાગે છે.

કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિલ્હી હાલ દેશમાં ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2625 છે. જ્યારે 54 લોકોના મોત થયા છે અને 869 લોકો સ્વસ્થ થઈ ગયા છે.