નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. હવે સંક્રમણના દેશની સંસદ સુધી પહોંચી ગયું છે. રાજ્યસભા બાદ હવે લોકસભા સચિવાલયનો કર્મચારી સંક્રમિત થયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, સંક્રમિત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, લોકસભા સચિવાલયમાં કામ કરતો કર્મચારી હાઉસ કિપર છે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં પણ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. જે બાદ ત્યાંના સ્ટાફને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.


દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનના જણાવ્યા મુજબ, રાજધાનીમાં કોરોના વાયરસના કુલ 2081 કેસ છે. જેમાંથી 431 સાજા થઈ ગયા છે અને 47 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 18,601 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 590 લોકોના મોત થયા છે. જોકે 3252 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમિતો છે, જ્યારે ગોવા કોરોના મુક્ત થઈ ગયું છે.