નવી દિલ્હીઃ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના પોઝિટીવની સંખ્યામાં 678નો વધારો થયો છે. જ્યારે કોરોનાના કારણે 33 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, અત્યાર સુધીમાં 6412 કેસ નોંધાયા છે અને 199 લોકોના મોત થયા છે. જેમાંથી 503 દર્દીઓ સ્વસ્થ થયા છે.






સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના સામેની લડાઇ માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગુરુવારે કોરોના વાયરસના 16 હજાર ટેસ્ટ કરવામાં  આવ્યા છે તેમાંથી 2 ટકા પોઝિટીવ નોઁધાયા છે એટલે કે 320 ટેસ્ટ પોઝિટીવ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, દેશમાં 146 સરકારી અને 76 પ્રાઇવેટ લેબમાં કોરોનાનો  ટેસ્ટ થઇ રહ્યો છે. આપણી પાસે જરૂરિયાત કરતા ત્રણ ગણી વધુ હાઇડ્રોક્સિક્લોરોક્વાઇન ટેબલેટ ઉપલબ્ધ છે.



ગૃહમંત્રાલયે કહ્યું કે, દેશમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને રોકવા માટે પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે. 37,978 કેમ્પોમાં લોકોને આશરો આપવામાં આવ્યો છે. બીજી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ગઇકાલ સુધીમાં 20473 વિદેશી નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે. તે સિવાય વિદેશા ફસાયેલા ભારતીયોના અમે સંપર્કમાં છીએ અને દૂતાવાસો તેમનું ધ્યાન રાખી રહ્યા છે.