નવી દિલ્હીઃ વિશ્વના અનેક દેશોમાં તબાહી મચાવી રહેલા કોરોના વાયરસના નવા વેરિયંટ AY.4.2 ને લઈ ભારત પૂરી રીતે સતર્ક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યું કે, કોરોનાના આ નવા વેરિયંટને લઈ એક ટીમ તેની તપાસમાં લાગેલી છે. આઈસીએમઆર અને નેશનલ સેંટર પોર ડિસીઝ કંટ્રોલની ટીમો પર વિવિધ પ્રકારનું  રિસર્ચ અને વિશ્લેષણ કરવાની જવાબદારી છે.


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને મંજૂરી પર માંડવિયાએ જણાવ્યું, ડબલ્યુએચઓની એક પદ્ધતિ છે, જેમાં એક ટેક્નિકલ સમિતિ હોય છે. જેમે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે, જ્યારે બીજી સમિતિની આજે બેઠક થઈ રહી છે. કોવેક્સિનને મંજૂરી આજની બેઠકના આધારે અપાશે.




પ્રધાનમંત્રી આયુષમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ટર મિશન પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, આગામી દિવસોમાં દેશને કોઈપણ મહામારી સામે લડવામાં સક્ષમ બનાવાશે. પીએમ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય મિશન પર 5 વર્ષમાં 64 હજાર કરોડનો ખર્ચ કરાશે. તાલુકા-જિલ્લા, રાષ્ટ્રીય સ્તરે સારી લેબોરેટરી બનાવવા 5 વર્ષમાં અંદાજે 90-100 કરોડ ખર્ચ કરાશે.


સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ભારતમાં પણ AY.4.2  ના કેટલાક મામલા સામે આવ્યા છે. તેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. આ નવો વેરિયંટ કોવિડ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને નબળી પાડે છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી.


INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આ વેરિયંટની જાહેરાત કરવામાં આવેશે. INSACOG કોરોનાના જીનોમિક સીક્વેંસ પર કામ કરતી લેબનો એક સમૂહ છે. આ સંસ્થા મુજબ 11 ઓક્ટોબર સુધી ભારતમાં AY વેરિયંટની 4737 નવા મામલા સામે આવી ચુક્યા છે.


બ્રિટનમાં AY.4.2 વેરિયંટના કારણે ફરી સંક્રમણ વધ્યું છે. યુકેના વૈજ્ઞાનિકોએ તેને વેરિયંટ અન્ડર ઈન્વેસ્ટિગેશન તરીકે ક્લાસિફાય કર્યો છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ AY.4.2 નો ગ્રોથ રેટ ડેલ્ટાની તુલનામાં 1 7 ટકા વધારે છે.