નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 18,601 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 590 લોકોના મોત થયા છે. જોકે 3252 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમિતો છે, જ્યારે ગોવા કોરોના મુક્ત થઈ ગયું છે.


આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પરિવાર સાથે રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાનો પતિ રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતાં અંડર સેક્રેટરી લેવલના એક આઈએએસ અધિકારીની ઓફિસમાં કામ કરે છે. જેને પગલે અધિકારીએ સાવધાનીના ભાગરૂપે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધો છે. મહિલાને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંક્રમિત મહિલાના સાસુનું કોરોના વાયરસથી મોત થયું હોવાનું કહેવાય છે. મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યો ઉપરાંત બે પડોશીઓ મળી કુલ 11 લોકોને હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનો આદેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં કામ કરતાં 100થી વધારે સફાઈકર્મી, માળી તથા અન્ય લોકો પણ આ મહિલાના સંપર્કમાં આવ્યા હતા. જેથી બધાને સાવધાની રાખવાનું કહેવાયું છે.

કયા રાજ્યમાં કેટલા મોત

આરોગ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્રમાં 232, મધ્યપ્રદેશમાં 74, ગુજરાતમાં 71, દિલ્હીમા 47, તમિલનાડુમાં 17, તેલંગામામાં 23, આંધ્રપ્રદેશમાં 20, કર્ણાટકરમાં 16, ઉત્તરપ્રદેશમાં 18, પંજાબમાં 16, પશ્ચિમ બંગાળામાં 12, રાજસ્થાનમાં 25, જમ્મુ-કાશ્મીરમાં 5, હરિયાણામાં 3, કેરળમાં 3, ઝારખંડમાં 2, બિહારમાં 2, આસામ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 1-1 લોકોના મોત થયા છે.