મુંબઈઃ મહા રાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગની બનેલી ઘટના બાદ ઉદ્ધવ સરકાર નિશાન પર છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તેમની સરકાર કોઈ દોષીને નહીં છોડે. લોકો આ મુદ્દાને ભડકાવવાનું કામ ન કરે.
તેમણે કહ્યું કે, આ હિન્દુ મુસ્લિમ જેવો કોઈ મામલો નથી. આ અંગે મારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેસના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત થઈ છે. દરેકને સમજાવવામાં આવ્યું છે કે આ ધર્મ સાથે સંકળાયેલો મામલો નથી. જે લોકો સોશિયલ મીડિયા દ્વારા આ મુદ્દો ભડકાવવાની કોશિશ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુરુવારે રાત્રે પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી. રાત્રે 10 વાગ્યે ખાનવેલ માર્ગ પર નાસિક તરફથી આવતી ગાડીમાં 3 લોકો હતા. ગામ લોકોએ તેમને અટકાવ્યા અને બાદમાં ચોર હોવાની આશંકાએ પથ્તરોથી હુમલો કરી દીધો. ત્રણેયનું ઘટના સ્થલે મોત થયું હતું.

ત્રણેય મૃતકો મુંબઈના કાંદિવલીથી સુરત જતા હતા. જેમના નામ સુશીલગિરી મહારાજ (ઉ.35), ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (ઉ.70) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (ઉ.30) હતા.

પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.  લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી.

આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા. આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હતી.
ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે પગલા લેવામાં આવ્યા છે અને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.