Coronavirus: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના આરોગ્ય કેન્દ્રએ એક અનોખું કારનામું કર્યું છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ સેમ્પલ લીધા વિના 65 વર્ષીય મહિલાની કોરોના તપાસ કરી અને સેમ્પલ વિના મહિલાને કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ પણ આપ્યો છે.
મહિલાએ શું કહ્યું
મહિલાનું કહેવું છે કે તે ન તો આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે ગઈ હતી કે ન તો તેણે સેમ્પલ આપ્યા. સાથે જ સ્થાનિક લોકોએ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બેદરકારી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ સતત સામે આવી રહ્યા છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના 76 નવા દર્દીઓ મળી આવ્યા છે.
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720 નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 9,55,319
- કુલ ડિસ્ચાર્જઃ 3,36,30,536
- કુલ મૃત્યુઆંકઃ 4,84,655
- કુલ રસીકરણઃ 153,80,08,200