નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે. આઈઆઈટી હૈદરાબાદ અને કાનુપરમાં મથુકુમલ્લી વિદ્યાસગર અને મનિંદ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાઓના એક ગ્રુપે ભવિષ્યવાણી કરી છે કે ઓગસ્ટમાં કોરોના સંક્રમણના મામલામાં વધારાથી ત્રીજી લહેર આવી શકે છે, ઓક્ટોબરમાં તે પીક પર હશે. આ દરમિયાન રોજના એક લાખ મામલા આવી શકે છે અને સ્થિતિ વધારે બગડવા પર રોજના આશરે 1.5 લાખ મામલા સામે આવી  શકે છે.


બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, કોરોનાની ત્રીજી લહેરને લઈ આ ભવિષ્યવાણી ગણિતના મોડલ પર કરવામાં આવી છે. ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય પરંતુ તેમ છતાં સાવધાની રાખવી પડશે. દૈનિક કેસની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી શકે છે. રિસર્ચકર્તાના કહેવા મુજબ કોરોના કેસ કેટલા વધશે તે મહારાષ્ટ્ર, કેરળ અને વધારે કેસવાળા રાજ્યોની સ્થિતિ પર નિર્ભર છે. બીજી લહેર દરમિયાન ગાણિતિક મોડલના આધાર પર કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.


ડેલ્ટા વેરિયંટથી મામલા વધવાની ચેતવણી


કોવિડની આ લહેરની આશંકા વચ્ચે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયંટથી સંક્રમણના મામલા વધી શકે છે. જે અછબડાની જેમ સરળતાથી ફેલાય છે. ઈન્ડિયન Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)ના આંકડા અનુસાર મે, જૂન અને જુલાઈમાં કોવિડ-19 દર 10માંથી લગભગ 8 મામલા વધારે સંક્રામક ડેલ્ટા વેરિયંટના હતા.


દેશમાં કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 22 લાખ 23 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 17 લાખ 6 હજાર,598 લોકોનું રસીકરણ કરાયું હતું.  દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 46 કરોડ 96 લાખ 45 હજાર 494 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14,28,984 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરાયા હતા.



  • કુલ કેસઃ 3,16,95,958

  • કુલ રિકવરીઃ 3,08,57,4671

  • એક્ટિવ કેસઃ 4,13,718

  • કુલ મોતઃ 4,24,773