નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે મોદી સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  1 એપ્રિલથી 45 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે. અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી.  કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.



પ્રકાશ જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં 4. 85. કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી 80 લાખ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32.54 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.


દેશમાં લગભગ 10 હજાર સરકારી સેન્ટરો અને હજારો પ્રાઈવેટ સેન્ટરો પર વેક્સિનેશન ચાલી રહ્યું છે. સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન લગાવવામાં આવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે.  અનેક રાજ્યોમાં કોરોનાના કેસ  વધી જતાં લોકડાઉન, નાઈટ-કર્ફ્યૂ, શાળા-કોલેજો બંધ સહિતના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા ભારતમાં રસી લેવી જરૂરી છે અને એ જ શ્રેષ્ઠ ઉપાય છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 72 લાખથી વધારે લોકોને કોરોના રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે સોમવારે 45 વર્ષથી ઉપરના અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત એવા 3,34,367 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી જ્યારે 60થી વધુ વયના 13,07,614 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.