નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના ગાળાને વધારવા કહ્યું છે. દેશભરમાં કોરોના વાયરસ ટિકાકરણ માટે કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં બનાવેલી સીરમ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડ અને સ્વદેશી કંપની ભારત બાયોટેકની કોવેક્સિન સાથે કોરોના વાયરસ ટિકાકરણ શરૂ થયું છે. કેન્દ્ર સરકારે સોમવારે સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યું કે તેમની આ એડવાઈઝરી ફક્ત કોવિશીલ્ડ માટે છે.



રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કેન્દ્ર સરકારે કહ્યું કે ઇમ્યુનાઇઝેશન પર બનેલી નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ અને વેક્સીન માટે ગઠિત રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહ દેશભરમાં ટિકાકરણ માટે જે સમયગાળાનું પાલન કરવામાં આવી રહ્યું છે તેના પર પુનર્વિચાર કર્યો છે. જ્યારે રસીકરણ પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાંત ગ્રુપ (NEGVAC)એ પણ પોતાની 20મી બેઠકમાં તેના પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે ચારથી છ સપ્તાહના બદલે હવે આઠ સપ્તાહનો ગાળો રાખવાની ભલામણ કરવામાં આવી છે.


નિષ્ણાંત ગ્રુપની ભલામણ સ્વીકારવામાં આવી


જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, સરકારે બન્ને નિષ્ણાંત ગ્રુપની ભલામણ પર વિચાર કર્યો અ તેને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસ્તિ પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે, કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે ચારથી આઠ સપ્તાહનો સમયગાળો રાખવાનો રહેશે.


પ્રથમ અને બીડજા ડોઝની વચ્ચે અંતર વધારવાથી સુરક્ષા વધશે


સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા એ પણ જાણકારી આપવામાં આવી છે કે, હાલમાં વૈજ્ઞાનિકો સામે જે તથ્ય સામે આવ્યા છે તેને ધ્યાનમાં રાખતા જો કોવિશીલ્ડના બીજા ડોઝની વચ્ચે 6થી 8 સપ્તાહનો સમય રાખામાં આવે તો સુરક્ષા વધી જાય છે. પરંતુ ધ્યાન એ રહે કે બન્ને ડોઝની વચ્ચે 8 સપ્તાહથી વધારેનું અંતર ન રહે. તેની સાથે જ મંત્રાલયે એ પણ કહ્યું કે બે ડોઝની વચ્ચે જે ગાળો વધારવામાં આવ્યો છે તે નિયમ માત્ર કોવિશીલ્ડ રસી પર લાગુ થશે અને સ્વદેશી કોવેક્સીન પર આ નિયમ લાગુ નહીં થાય.