નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની રસીને લઈ ડીજીસીઆઈએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બે રસીને મંજૂરી આપવામાં આવી હતી. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીને ડીજીસીઆઈએ મંજૂરી આપી હતી. દેશમાં ટૂંક સમયમાંં રસી આપવાની શરૂઆત થશે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની એક્સપર્ટ પેનલે DGCI પાસે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સિનને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. DGCIએ જણાવ્યું કે, બંને વેક્સિન સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં કરી શકાશે. બંને વેક્સિન બે બે ડોઝ ઈન્જેક્શનના રૂપમાં અપાશે. આ બંને વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. શનિવારે કોરોનાની સૌપ્રથમ સ્વદેશી રસી ભારત બાયોટેકની કોવાક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

DGCIની મંજૂરી મળ્યા બાદ કંપનીને CT23 મંજૂરી મળે છે. જે મળ્યા બાદ દવા કંપનીની જે રાજ્યમાં ફેક્ટરી હોય ત્યાં સ્ટેટ ડ્રગ રેગુલેટરી ઓથોરિટી જઈ ડ્રગ એન્ડોર્સમેંટની માંગ કરે છે. જે બાદ દવા કે વેક્સિન આપી શકાય છે. આ પ્રક્રિયામાં 4 થી 5 દિવસ લાગી શકે છે.



દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,177 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,23,965 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસ 2,47,220 છે. દેશમાં કુલ 99,27,310 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોના 1,49,435 લોકોને ભરખી ગયો છે.