નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. કોરોના વેક્સિનને લઈને બોલાવવામાં આવેલી બેઠક સોમવારે સાંજે 4 વાગ્યે મળશે. કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ઘણી વખત બેઠક કરી છે.

દિલ્હી સહિતના દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વેક્સિનની પહેલી ખેપ પહોંચશે. જાન્યુઆરીના અંતમાં કોરોના વેક્સિનેશનના પહેલા તબક્કા હેઠળ 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને ફ્રીમાં વેક્સીન લગાવવામાં આવશે.

દેશમાં કોરોના રસીકરણના પહેલા તબક્કા હેઠળ 27 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવશે, જોકે વેક્સીન ફ્રીમાં મળશે કે નહીં એ અંગેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 50 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડિત લોકો માટે રસીનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર ઉઠાવશે. જ્યારે રાજસ્થાન સહિત અનેક રાજ્યો કેન્દ્ર સમક્ષ ફ્રી વેક્સીનની માંગ કરી રહ્યા છે. જેને લઇને મોદી સરકાર સતત વિચારણા કરી રહી છે.

નોંધનીય છે કે રસીકરણના પહેલા તબક્કા હેઠળ કોરોના વેક્સિન કોવિશીલ્ડની પહેલી ખેપ આગામી 72 કલાકમાં દેશના અન્ય મોટા શહેરોમાં પહોંચે એવી યોજના સક્રિય છે. બીજી તરફ કોરોના વેક્સિન લેવાવાળાની ઓળખ કરવા માટે Covin appમાં અત્યાર સુધી 70 લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચૂક્યા છે.