નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક કરોડ નજીક પહોંચી ગઈ છે. દેશમાં કેટલીક કંપનીઓ કોરોના રસી બનાવી રહી છે અને આ માટેના ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે. દેશમાં 2021માં પ્રથમ કોરોના રસી આવી જવાની શક્યતા છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકો તરફથી લીલી ઝંડી મળતાં જ દેશમાં કોરોના વેક્સિન લગાવવાની શરૂ થઈ જશે.


આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી રહી છે. દિલ્હીની એક કન્સલટન્સી ફર્મ લોકલ સર્કલના સર્વે મુજબ દેશમા કોરોનાની રસીને લઇ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. સર્વેના આંકડા મુજબ 69 ટકા લોકોએ કહ્યું, તેમને વેક્સિનની જરૂર નથી.  કંપનીએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું કે, વેક્સિનની સાઇડ ઇફેક્ટને લઇ જાણકારી ન હોવી, તે કેટલી અસરકારક હશે અને રસી લીધા બાદ પણ કોરોના નહીં થાય તેવી સ્પષ્ટતા ન હોવાના કારણે લોકોમાં ખચકાટ છે.

સર્વેમાં સામેલ મોટા ભાગના લોકોનું માનવું છે કે આપણે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છીએ. જ્યારે કેટલાક લોકોએ કહ્યું, વેક્સિનના ટેસ્ટિંગ માટે જેટલો ટાઇમ આપવો જોઈતો હતો તેટલો આપવામાં નથી આવ્યો.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,889 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 338 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,79,447 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,44,789 પર પહોંચ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,13,831 છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 95,20,827 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.