Covid Omicron Variant દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર એકશન મોડમાં આવી ગઈ છે અને દેશભરમાં એલર્ટ આપ્યું છે.
ક્યાંથી ફેલાયો હોઈ શકે છે
દુનિયાના વૈજ્ઞાાનિકોએ આ વેરિન્ટનું મૂળ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.
નવા સ્ટ્રેનની ઓળખ કરનારા દેશ દક્ષિણ આફ્રિકાએ શનિવારે ફરિયાદ કરી હતી કે, એમીક્રોન સ્ટ્રેનની ઓળખ કરવાની તેમને સજા આપવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાએ જ્યારથી આ વાયરસના નવા સ્ટ્રેન અંગે જાહેરાત કરી છે ત્યારથી અનેક દેશોએ ત્યાંથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ આ સ્ટ્રેનના સંક્રમણથી બચવાની સતર્કતા અપનાવીને 12 દેશોથી આવતાં મુસાફરોનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યુ છે.
શું કહ્યું સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે
સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું, કોરોના વાયરસના ઓમિક્રોન સંક્રમણના મામલા વધવાની સાથે વિશ્વભરના અનેક દેશોએ અહીં યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે એક પક્ષપાત છે, કારણકે અમરા દેશ ઉપરાંત અન્ય દેશોએ અલગ વેરિયન્ટ અંગે ભાળ મેળવી ત્યારે તેમની પ્રતિક્રિયાઓ અળગ હતી.
અમેરિકા શું કરી રહ્યું છે તૈયારી
સલામતીના ભાગ રૂપે અમેરિકા પણ દક્ષિણ આફ્રિકા સહિત આઠ દેશો કે જ્યાંથી નવો સ્ટ્રેન ફેલાયો છે ત્યાંથી હવાઇ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા બાદ સેરેલ અને બેલ્જિયમે પણ તેમના દેશમાં ઓમાક્રોનના મામલા સામે આવ્યાની જાહેરાત કરી છે.
ઓમિક્રોન અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર: હૂ
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. વધુમાં હૂએ દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોના દેશોમાં નિરીક્ષણ વધારવા, જાહેર સ્વાસ્થ્યને મજબૂત કરવા અને રસીકરણનું કવરેજ વધારવા માટે પણ સરકારોને સલાહ આપી છે. ઉપરાંત ઉત્સવો અને સમારંભોમાં પણ લોકોને સાવચેતીના ઉપાયો અપનાવવા સાથે ભીડ અને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યું છે.