COVID Review Meeting: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોવિડની વધતી જતી સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે દેશના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને તેમના મંત્રાલય સાથે સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો, આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દેશમાં કોવિડના વધતા કેસોને લઈને પ્રેઝન્ટેશન પણ આપશે.


આ ઉપરાંત, આ કોવિડ સમીક્ષા બેઠકમાં, પીએમ મોદી રાજ્યોને દેશના લોકોને વધુ એક બૂસ્ટર ડોઝ મફત આપવા માટે પણ વિનંતી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી કોવિડને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. PM મોદીએ દેશમાં કોરોનાની જમીની સ્થિતિને સમજવા માટે મુખ્યમંત્રીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ઘણી બેઠકો કરી છે.


દેશમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક 5,22,193 પરઃ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,593 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,25,19,479 થઈ ગઈ છે. આ સાથે કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 15,873 પર પહોંચી ગઈ છે. જ્યારે હવે આપણા દેશમાં કોરોના મહામારીના કારણે દર્દીઓનો મૃત્યુઆંક વધીને 5,22,193 થઈ ગયો છે.


રાજધાની દિલ્હીમાં 1094 નવા કેસ નોંધાયાઃ
બીજી તરફ દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1094 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓના મોત પણ થયા છે. આ સાથે હવે દિલ્હીમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 3705 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 4.82 ટકા નોંધાયો છે. દિલ્હી સરકારે લોકોને ગભરાટ ન ફેલાવવાની અપીલ કરી છે. વધતા કોરોના કેસને ધ્યાને લઈ દિલ્હીમાં ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત છે.