નવી દિલ્હીઃ કોરોનાનો જીવલેણ ડેલ્ટા વેરિયંટ અત્યાર સુધીમાં આશરે 85 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રસ અધનોમે તેને અત્યાર સુધીનો સૌથી વધારે સંક્રામક વેરિયંટ ગણાવ્યો છે. તેમણે કહ્યું, વેક્સીનેટ થઈ ચુકેલા લોકોને પણ ઝડપથી પોતાનો શિકાર બનાવી રહ્યો છે. આ અંગે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું, મને ખબર છે કે સમગ્ર વિશ્વ હાલ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને લઈ વધારે ચિંતિત છે. કોરોનાના આ નવા વેરિયંટે વુની પણ ચિંતા વધારી છે. આપણે જ્યારે પણ પબ્લિક હેલ્થ અને સોશિયલ ડિસ્ટેંસિંગના મામલે ઢીલ આપીએ છીએ ત્યારે કોરોના સંક્રમણના મામલા સમગ્ર વિશ્વમાં ઝડપથી વધવા લાગે છે. સંક્રમણની સ્પીડ વધવાના કારણે હોસ્પિટલાઇઝેશનના મામલા વધે છે અને તેના કારણે હેલ્થ સિસ્ટમ અને હેલ્થ વર્કર્સ પણ વધારે દબાણ પડે છે. આ કારણ કોઈપણ દેશમાં કોરોનાથી થઈ રહેલા મોતની સંખ્યામાં વધારો કરવા પૂરતું છે.
ડેલ્ટા વેરિયંટના લક્ષણો
ડોક્ટર્સના કહેવા મુજબ ડેલ્ટા સ્ટ્રેનથી સંક્રમિત કોરોના દર્દીઓમાં સાંભળવાની ક્ષમતા ઘટી જવી, પેટમાં ગડબડ, બ્લક ક્લોટ, ગેંગ્રીન જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી આ લક્ષણો સામાન્ય રીતે કોરોના દર્દીમાં નહોતા જોવા મળતા. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં ઈએનટી સર્જન હેતલ મારફતિયાના કહેવા મુજબ કોરોનાના કેટલાક દર્દીઓ બહેરાપણુ, ગળાની આસપાસ સોજો અને ગંભીર ટોન્સિલિટિસ જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. દરેક વ્યક્તિમાં આ વેરિયંટના અલગ અલગ લક્ષણ જોવા મળી રહ્યા છે.
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના મામલા સતત વધી રહ્યા છે. નવો વેરિયંટ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યો છે. આ દરમિયાન આઈસીએમઆરના પૂર્વ હેડ સાયન્ટિસ્ટ રમન ગંગાખડેકરે કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિયંટ ઓફ કંસર્નની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે અને તે ખૂબ ઝડપથી ફેલાય છે. તેમણે કહ્યું જો ડેલ્ટા વેરિયંટ ચિંતાનો વિષય હોય તો ડેલ્ટા પલ્સ વેરિયંટને પણ આ શ્રેણી તરીકે જોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે ડેલ્ટા વેરિયંટ સેલ થી સેલ સુધી પહોંચી જાય છે ત્યારે અંગોને નુકસાન સંદર્ભે તેનો શું અર્થ છે ? જો તે દિમાગ સુધી પહોંચી ગયો તો શું થશે ? તેમણે એમ કહ્યું કે જો આમ થાય તો ન્યૂરોલોજિકલ લક્ષણ વધારે પેદા થશે. આઈસીએમઆરના પૂર્વ વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે, શરીરના કયા અંગ પર તે અસર કરે છે તેના પર નિર્ભર છે.