નવી દિલ્હી: દેશ-દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં આજે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 11933 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં 392 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે, 1344 દર્દીઓ સાજા થઈ ગયા છે.


દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 2687 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 259 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 178 લોકોનાં મોત થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં 170 હોટસ્પોટ જિલ્લા જાહેર કર્યા છે, જ્યાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધારે છે. આ સિવાય કોરોના સંક્રમણના પ્રભાવિત 207 એવા જિલ્લા પણ ચિન્હિત કર્યા છે, જે હોટસ્પોટ નથી પરંતુ સંક્રમણના વધારાને જોતાં આ જિલ્લાઓને સંભવિત હૉટસ્પોટની શ્રેણીમાં રાખવામાં આવી શકે છે.

રાજ્ય પ્રમાણે જોઈએ તો, આંધ્રપ્રદેશ- 503, અંદમાન નિકોબાર-11, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-33, બિહાર-70, ચંદીગઢ-21, છત્તીસગઢ-33, દિલ્હી-1561, ગોવા-7, ગુજરાત- 766, હરિયાણામાં-199, હિમાચલ પ્રદેશ -33, જમ્મુ કાશ્મીર-278, ઝારખંડ-27, કર્ણાટક- 277, કેરળ-387, લદાખ-17, મધ્યપ્રદેશ-987, મણિપૂર-2, મેઘાલય-7, મિઝોરમ-1, ઓડિશા-60, પોંડીચેરી-7, પંજાબ-186, રાજસ્થાન-1005, તમિલનાડુ-1204, તેલંગણા-647, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-37, ઉત્તર પ્રદેશ-735 અને પશ્ચિમ બંગાળ-213 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.

દુનિયાભરમાં કોરોનાનો કહેર
વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 20, 00,576 છે. જેમાંથી 1,26,871 લોકોના મોત થઈ ગયા છે.

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત યૂરોપ મહાદ્રીપ છે, જ્યાં 85,271નાં મોત થયા છે. જ્યારે અમેરિકામાં સૌથી ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે અને અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 6,09,240 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 26, 033 લોકોના મોત થઈ ચૂક્યા છે.